અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગીર સોમનાથના લાખાપરા ગામના પરબત કરશનભાઈ બારૈયાએ ફોરવ્હીલ નંબર જીજે-૩૧-બીએ-૦૨૩૫ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમના માતા બન્ને પોતાનું મોટરસાયકલ રજી નં.GJ-32-F૦૪૩૧ લઇને ભગુડા ગામથી દર્શન કરી પરત ઘરે જતા હતા. તે વખતે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ દુધાળા ગામ નજીક આશીર્વાદ હોટલની સામે આવતા એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી રજી. GJ-31-BA-૦૨૩૫ ના ચાલકે તેની ફોરવ્હીલ ગાડી રોડના ગેપમાંથી સાઇડમાં જોયા વગર પૂરઝડપે અને બેફીકરાઇથી માણસોની જીંદગી જોખમાય તે રીતે અચાનક રોડની રોંગ સાઇડમાં ચલાવી આવી તેમના મોટરસાયકલ સાથે ભટકાવી હતી. તેમના માતા ડાયબેનને માથાના ભાગે તથા મોઢા ઉપર ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હતું. બગસરામાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા વિનુભાઈ ગાંગજીભાઈ ડેડાણીયાએ જીજે-૦૩-વાય-૫૩૪૮ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રીક્ષાના ચાલક પોતાના હવાલા વાળી છકડો રીક્ષાની પાછળ લાકડાની રેકડી(લારી) સાથે રાખી માનવજીંદગી જોખમાય તે રીતે અડચણરૂપ થાય તે રીતે રોડ ઉપર ઉભી રાખી દીધી હતી.જે રીક્ષા તથા તેની પાછળ બાંધેલ લાકડાની રેકડી(લારી) સાથે અથડાતા તેના દિકરા સચીનના માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હતું. ઇજાપામનાર જયરાજભાઇના શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ કરી હતી.