રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સરહદ પર ચોકી કરી રહેલા ભારતીય જવાનોની રક્ષા માટે અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી હજ્જારોની સંખ્યામાં રાખડીઓ મોકલવામાં આવી છે. અમરેલીની એમ.વી. પટેલ કન્યા વિદ્યાલય, ડો. કલામ સ્કૂલ, ઈશ્વરીયા. પાઠક વિદ્યાલય અમરેલી, આઈ.ટી.આઈ. અમરેલી, ભરાડ સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ અમરેલી અને તાલાળી પ્રા. શાળા, તાલુકો બાબરાની વિદ્યાર્થીનીઓ દ્વારા હજારો રાખડીઓ હાથે બનાવીને મોકલવામાં આવી છે. આ પ્રવૃત્તિ દ્વારા બહેનોનું કૌશલ્ય પણ ખીલે છે. આ હજ્જારો રાખડીઓનું કલેક્શન અમરેલી જિલ્લામાંથી સંજોગ ન્યૂઝ દૈનિકના કટાર લેખક કાળુભાઈ ભાડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાખડીઓને અમદાવાદ ખાતે ઈન્સીબલ ટ્રેકિંગ એન.જી.ઓ.ને મોકલવામાં આવી હતી. આ એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ સરહદ પર રૂબરૂ જઈને જવાનોને રાખડી બાંધશે. દર વર્ષે આ સંસ્થા ભારતીય જવાનોને રાખડી બાંધે છે.








































