અમરેલી જિલ્લામાં રાસાયણિક ખાતર વિક્રેતાઓ માટે તા.૧૩.૦૮.૨૦૨૫ના રોજ પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ દરેક ખેડૂતને પ્રતિ દિવસ ૦૫ બેગથી વધુ યુરિયા ખાતર ફાળવવું નહિ તેવી સૂચના છે. ખેતીવાડી ખાતા દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે તે મુજબ રાસાયણિક ખાતર વિક્રેતાઓએ જરુરી નોંધ લેવાની છે. હાલના સમયે ખાતરની દુકાનો પર જ્યારે ખેડૂતોની લાઈન લાંબી કે વધારે હોય ત્યારે દરેક ખેડૂતને ખાતરની ફાળવણી થઇ શકે તેના જરુરી આયોજન માટે યોગ્ય પાંચ બેગ ખાતરની મર્યાદા સૂચવવામાં આવી છે જે ફક્ત ઇન્ડિકેટિવ (દિશાદર્શક) છે. જો કોઈ ખેડૂત દ્વારા વધારે ખાતરની માંગણી કરવામાં આવે અને આવી માંગણી અન્ય ખેડૂતોની માંગણી પૂર્ણ કરી સંતોષી શકાય તેમ હોય તો વધારે ખાતર ફાળવી શકાશે અને એક ટન અથવા તેનાથી વધુ વેચાણના તમામ વ્યવહારો થઇ શકશે. વધુ વેચાણના તમામ વ્યવહારોને લગતી આ તમામ વિગતો નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) અમરેલીને રજૂ કરવી, તેમ અમરેલી જિલ્લા નાયબ ખેતી નિયામક એક યાદીમાં જણાવ્યું છે.