સુરત મુકામે આયોજિત જવાહરલાલ નહેરુ અંડર-૧૭ ભાઈઓ હોકી ટુર્નામેન્ટમાં અમરેલીની શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત વિદ્યાસભા સ્કૂલ DLSS હોકી ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ ટીમે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામી છે. આ ટુર્નામેન્ટમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગજેરા કેમ્પસના ખેલાડીઓના શ્રેષ્ઠ રમતકૌશલ્ય, દૃઢ સંકલ્પ અને સતત મહેનતના પરિણામે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. વિજેતા ટીમ આગામી તા. ૨૫/૧૧/૨૦૨૫ થી તા. ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન દિલ્હી મુકામે યોજાનાર નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. ટીમના હોનહાર ખેલાડીઓ બારીયા કુલદીપ, ગોહિલ યુગ, મંજુસા દર્શન, ભાડજા વીર, મોરી વિક્રમ, સોલંકી જયદીપ, સોલંકી જયવીર, બારૈયા ગૌતમ, પરમાર શિવાંગ, રીયા ઇન્દ્રસિંહ, જેઠવા અક્ષય, મુસાગરા અલ્કેશ, સૈયદ અયાન, પટેલ વંશ, રાબડીયા રુદ્ર અને મકવાણા સુજલે ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રી મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ તમામ ખેલાડીઓ તેમજ કોચ ભોજિયા સંજયભાઇ અને માલકીયા સાર્થિકભાઈને અભિનંદન પાઠવ્યા હતા.