અમરેલી ખાતે ડો.હેડગેવાર સેવા સમિતિ દ્વારા નૂતન કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ત્રણ સેવા પ્રકલ્પનો પ્રારંભ જેમાં ઝીરો થી બાર વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાસન કેન્દ્ર શરૂ કરાશે, આર્થિક સામાજિક અને શૈક્ષણિક પછાત વિસ્તારમાં નાના બાળકો માટે શિક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા તથા સાવરકુંડલા બાયપાસ પાસેની સેવા વસ્તીમાં દર મહિને મેડિકલ કેમ્પનું આયોજન થશે.
અમરેલી લાઠી રોડ ખાતે ડો.હેડગેવાર સેવા સમિતિ દ્વારા નૂતન કાર્યાલયનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર સમાજ વતી સમાજ શ્રેષ્ઠિ પરેશભાઈ આચાર્ય, કનુભાઈ વાળા (કે.કે. વાળા), મામલતદાર માળીયા હાટીના, મુકેશભાઈ રાઠોડ, ગોવિંદભાઈ ટીમ્બડીયા દ્વારા ભૂમિપૂજન કરી કાર્યાલય નિર્માણ કામગીરીનો પ્રારંભ કરેલ. આ ઉપરાંત ડો.હેડગેવાર સેવા સમિતિ દ્વારા ત્રણ સેવા પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં ૦ થી ૧ર વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાસન કેન્દ્ર શરૂ કરાશે જે લાઠી રોડ ઉપર સરસ્વતી વિદ્યાલય ખાતે તેમજ ચિતલ રોડ પર શ્રવણ પ્રસાદ, લાઇબ્રેરી રોડ ઉપર સંઘ કાર્યાલય ખાતે શરૂ કરાશે. આ ઉપરાંત આર્થિક સામાજિક અને શૈક્ષણિક પછાત વિસ્તારમાં નાના બાળકો માટે શિક્ષણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા તથા સાવરકુંડલા બાયપાસ પાસેની સેવા વસ્તીમાં દર મહિને મેડિકલ કેમ્પનું આયોજન કરવામા આવશે. આ કાર્યાલય સામાજિક સમરસતાનું કેન્દ્ર બનશે જેમાં સામાજિક પ્રવૃત્તિઓ માટે ઓડિટોરિયમની સુવિધા તેમજ કાર્યાલયમાં ૧૦ થી ૧૨ વિદ્યાર્થીઓ રહી અભ્યાસ પણ કરી શકશે. આ ભૂમિપૂજન પ્રસંગે મહેશભાઈ જીવાણીનું બૌદ્ધિક પ્રવચનનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર જિલ્લામાંથી સામાજિક આગેવાનો સંમ્મીલિત થયા હતા.