અમરેલી શહેરમાં આર્ટસ કોલેજ સામે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં લેવાયેલા રોડના ગુણવત્તાના સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થતાં સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આવી છે.
નિયમ મુજબ આખો રોડ નવો બનાવવાનો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલાકી વાપરીને આખો રોડ કરવાને બદલે અમુક ચોક્કસ સ્થળોએ જ થીગડા મારવા જેવું કામ શરૂ કરી દેવાયું છે. આ અધૂરી અને નબળી કામગીરીને લીધે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.
રોડનું સેમ્પલ નિષ્ફળ ગયુ હોવાની ઘટના બહાર આવ્યા પછી સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ નબળું કામ કરનારી જવાબદાર કંપનીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે. આ ઉપરાંત સરકારી નાણાંનો વેડફાટ કરનારા જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની માંગ પણ જોરશોરથી ઉઠી રહી છે.
હાલના તબક્કે રોડ તોડવાની કામગીરી ચાલુ થઈ છે, પરંતુ હવે પછી ખરેખર મજબૂત અને ગુણવત્તાવાળો રોડ બનશે કે કેમ તે બાબતે લોકોમાં અનેક સવાલો અને શંકાઓ સેવાઈ રહી છે.










































