કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી ખાતે ગત તા. ૧૧/૦૨/૨૦૨૬ થી ૧૫/૦૨/૨૦૨૬ સુધી પાંચ દિવસીય ફળ અને શાકભાજી સંરક્ષણ તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન નાયબ બાગાયત નિયામકની કચેરી (અમરેલી), KVK-અમરેલી અને પોલીટેક્નિક ઇન એગ્રીકલ્ચરના આચાર્ય ડો. ડી.એસ. કેલૈયાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. યુનિટ (કો-ઓર્ડિનેટર ડો. કૃતિકા એસ. પટેલ) દ્વારા કરવામાં આવ્યું હતું.આ તાલીમમાં કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મીનાક્ષી કે. બારિયા તથા વિષય નિષ્ણાત
(ગૃહ વિજ્ઞાન) ડો. નેહા તિવારી દ્વારા એગ્રીકલ્ચર પોલીટેકનિક કોલેજની ૩૩ જેટલી વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાંચ દિવસ દરમિયાન તાલીમાર્થીઓને ફળ અને શાકભાજીને કોઈપણ રાસાયણિક પદાર્થો વિના લાંબા સમય સુધી સાચવવાની વિધિ શીખવવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા, યોગ્ય કટિંગ, ગરમ કરવાની પ્રક્રિયા તેમજ ખાંડ, મીઠું અને તેલ જેવા કુદરતી સંરક્ષકોના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થતાં તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને સ્ટાઈપેન્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા અને સ્વરોજગારીની તકો ઉભી કરવા માટે પ્રેરણા મળી હતી.






































