સોમવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા હતા. અમરેલી જિલ્લાએ ૮૩.૨૫%નું
ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને શૈક્ષણિક ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ સફળતામાં અમરેલી શહેરની ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની વિદ્યાર્થિની વીરપરા હસ્તીએ ૯૯.૯૫ પર્સેન્ટાઇલ મેળવીને જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાયન્સ મેરીટમાં પણ ૩૦૦ ગુણમાંથી ૨૯૬ ગુણ મેળવી ઓક્સફર્ડ સ્કૂલનો વિદ્યાર્થી સુદાણી તૃષિક જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ છે. ગુજકેટ પરીક્ષામાં ૧૧૩.૭૫ ગુણ મેળવી સંસ્થાના વિદ્યાર્થીઓ ધંધૂકિયા પ્રિયાંશી અને ત્રિવેદી પાર્થ જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ છે. સંસ્થાના કુલ ૨૧૦ વિદ્યાર્થીઓમાંથી ૨૦૦ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયેલ છે, જેમાં ૧૨ – એ૧ ગ્રેડ, ૫૦ – એ-૨ ગ્રેડ, ૪૩ – બી-૧ ગ્રેડ અને ૬૩ વિદ્યાર્થીઓએ ૯૦ ઉપર પી.આર. મેળવેલ છે. ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સે આ વર્ષે પણ પોતાની ઉચ્ચ શિક્ષણની પરંપરા જાળવી રાખી છે. શાળાના ૧ર જેટલા વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવીને શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રણાલીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. આ સિદ્ધિ બદલ શાળા દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના સંચાલકોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓના સહકારનું પરિણામ છે. વીરપરા હસ્તીની વિશેષ સિદ્ધિ બદલ તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને એ-૧ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓએ આ વર્ષે કરેલી પ્રગતિ ખરેખર પ્રશંસનીય છે અને ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓનું યોગદાન તેમાં વિશેષ છે. આ પરિણામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખશે અને તેઓ ઉચ્ચ શિક્ષણ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશે તેવી આશા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો સુધી પહોંચવા માટે તમામ શક્ય સહાય અને માર્ગદર્શન આપવાની ખાતરી આપવામાં આવી છે. જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને આ સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.