રાજ્યમાં હાલ ચૂંટણી આયોગ દ્વારા હાથ ધરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ફોર્મ નંબર ૭ (નામ કમી કરવા માટેની વાંધા અરજી) ને લઈને અમરેલી જિલ્લામાં ભારે હોબાળો મચ્યો છે. અમરેલી અને વડિયા વિસ્તારમાં ૬,૫૦૦થી વધુ મતદારો સામે વાંધા અરજીઓ કરવામાં આવી છે. વિવાદ ત્યારે વકર્યો જ્યારે જાણવા મળ્યું કે વડિયાના ૩૬૦ જેટલા મતદારો સામેની અરજીઓમાં ભાજપના આગેવાનોના નામનો ઉપયોગ થયો છે, જ્યારે અમરેલી શહેરની અરજીઓમાં વડિયાના આગેવાનોના નામ છે.આક્ષેપ છે કે આ અરજીઓમાં મુખ્યત્વે મુસ્લિમ સમાજના લોકો, પત્રકારો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને નિશાન બનાવવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે સેવા આપતા મહિલા BLOનું નામ પણ કમી કરવાની અરજી થઈ છે. સ્થાનિકો અને આગેવાનોનો આક્ષેપ છે કે આ તંત્રને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર છે. ખોટી અરજી કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.