અમરેલીમાં સાવરકુંડલા રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ પાસે પોલીસ દ્વારા પ્રોહિબિશન રેડ દરમિયાન દેશી દારૂ ગાળવા અને તેની હેરાફેરી કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય બે સાગરીતો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, સાવરકુંડલા રોડ પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડ પાસે રામકુભાઇ ઉર્ફે કાળો પાયાભાઇ પરમાર પોતાની મોટરસાયકલની ડેકીમાં ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર આશરે ૧૦ લિટર દેશી પીવાનો દારૂ રાખીને હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂ ગાળવાની પ્રક્રિયામાં તેની સાથે અન્ય લોકો પણ સામેલ હતા. પોલીસે સ્થળ પરથી દારૂ અને વાહન મળી કુલ રૂ.૨૧,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સિવાય જિલ્લામાં સાત સ્થળેથી ૧૧ લીટર દેશી દારૂ મળ્યો હતો. રાજુલા–ભાવનગર હાઇવે પરથી મહારાષ્ટ્રના દિલીપ રામચરણ વર્મા (ઉ.વ.૩૩)ની કારમાંથી દારૂની બોટલ મળી હતી.










































