અમરેલીના જશવંતગઢ ગામના અશોક માંગરોળીયા અને નિલેશ સાવલિયાએ ભાજપ કાર્યાલયે પહોંચી કેસરી ખેસ પહેરીને રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. અશોકભાઈએ આક્ષેપ કર્યો કે ૨૫ વર્ષની મહેનત છતાં પક્ષમાં લોકશાહી નથી અને માત્ર એક જ વ્યક્તિનું શાસન ચાલે છે, જેના કારણે તેમને અન્યાય થયો છે. જોકે, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ ભૂતેયાએ વળતો પ્રહાર કરતા સ્પષ્ટતા કરી કે આ બંનેને ૨૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પહેલેથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપના મતે આ માત્ર પક્ષને બદનામ કરવાનો દેખાવ છે. આ ઘટના પાછળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગણિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અશોકભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે હું ૪ ટર્મથી ભાજપનો સક્રિય સભ્ય હોય ત્યારે પક્ષ તરફથી મને સસ્પેન્ડ કરવા માટેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.










































