અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત શ્રી ગણેશ વંદના અને દેશભક્તિ ગીતોથી થઈ હતી. જિલ્લામાં તથા તાલુકા કક્ષાએ પસંદ થયેલા શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અને નાણાં પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોને રૂ. ૫,૦૦૦ અને જિલ્લાકક્ષાએ પસંદ થયેલા શિક્ષકોને રૂ. ૧૫,૦૦૦ આપવામાં આવ્યા હતા. કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે શિક્ષકો બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપી ઉમદા નાગરિક બનાવે છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે શિક્ષકોના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનપત્ર એનાયત કર્યા હતા. આ ઉજવણીમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરપર્સન રમીલાબેન, શિક્ષણ અધિકારીઓ, સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































