જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, અમરેલી દ્વારા જિલ્લાના શિક્ષકો માટે ઈકો ક્લબની એક મહત્વપૂર્ણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ છતડીયા નર્સરી ખાતે યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ શિક્ષકોને શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડવા માટેની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરવાનો હતો. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, અમરેલી દ્વારા જિલ્લાના દરેક તાલુકાના પ્રતિનિધિરૂપ શિક્ષકો માટે આ ઈકો ક્લબ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ ભવનના ઇન્ચાર્જ પ્રાચાર્ય નિલેશભાઈ ચાંપાનેરીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ તાલીમમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી અને શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પ્રાધ્યાપક લેખાબેન શાહ, બી.આર.સી. ધારી અતુલભાઇ દવે, શિક્ષક સંઘના મહામંત્રી રસિકભાઈ મહેતા, જાણીતા
પ્રકૃતિવિદ અજીતસિંહ ગોહિલ અને ફોરેસ્ટર અનિરુદ્ધભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ દરમિયાન ઉપસ્થિત નિષ્ણાતોએ જિલ્લાના શિક્ષકોને વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓની સ્થાનિક પ્રજાતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રકૃતિ સાથે જોડી શકાય અને તેમનામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેવી રીતે લાવી શકાય તે માટેની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકોને પ્રાયોગિક જ્ઞાન મળ્યું હતું, જે તેઓ શાળામાં વિદ્યાર્થીઓને શીખવી શકશે. તાલીમમાં જોડાયેલા શિક્ષકો માટે એક વિશેષ એક્સપોઝર વિઝીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓને આંબરડી સફારી પાર્કની મુલાકાત કરાવવામાં આવી હતી.