વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગર ટીમ દ્વારા આગામી ૨૬ માર્ચ ૨૦૨૬ના રોજ રામ નવમી નિમિત્તે યોજાનારી ભવ્ય શોભાયાત્રાના પૂર્વ આયોજનના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમ સંપન્ન થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અમરેલીના પ્રમુખ વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગત ૨૦ માર્ચના રોજ સિનિયર સિટીઝન પાર્ક સ્થિત કાર્યાલય ખાતે ભગવાન શ્રી રામની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૐ શાંતિ, સાગર મહેતા ગ્રુપ, લવ યોર સેલ્ફ ફિટનેસ ક્લાસ અને શ્રી રામ યોગ ગ્રુપ સહિતની સંસ્થાઓ જોડાઈ હતી. વિશેષરૂપે માનસિક વિકાસ કેન્દ્ર, મંદબુદ્ધિ છાત્રાલય અને મૂક બધિર સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. આ સાથે જ નારી
જાગૃતિ લોગ કલ્યાણ ફાઉન્ડેશન, સમસ્ત કોળી ઠાકોર સમાજ અને પ્રહાર એકેડમીના સભ્યો પણ સહભાગી થયા હતા. કાર્યક્રમમાં પ્રાંત ઉપાધ્યક્ષ હંસાબેન મકાણી, જિલ્લા મંત્રી ઈતેષભાઈ મહેતા અને રમીલાબેન પટોલીયા જેવા વરિષ્ઠ હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બજરંગ દળના કરણભાઈ વાજા, મહાવીરભાઈ વિંછીયા અને ગૌ રક્ષા પ્રમુખ ભોજરાજભાઈ વાળા સહિત માતૃ શક્તિ અને દુર્ગા વાહિનીના બહેનોએ પણ આરતીમાં જોડાઈ શોભાયાત્રાની તૈયારીઓને વેગ આપ્યો હતો. નગર પ્રમુખ ભાવેશભાઈ કાબરીયા અને મંત્રી પંકજભાઈ કાનાણીએ આગામી શોભાયાત્રામાં સર્વ સમાજને જોડાવા અપીલ કરી છે.









































