અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘લોકલ ફોર વોકલ’ સૂત્રને સાકાર કરવા માટે ગાયત્રી મંદિર ખાતે ચાર દિવસીય ADCU હાટ પ્રદર્શની અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો તારીખ ૨૦/૦૮/૨૦૨૫ થી ૨૩/૦૮/૨૦૨૫ સુધી ચાલશે. આ મેળામાં અમરેલી જિલ્લાની સહકારી મંડળીઓ, સખી મંડળો અને ઘરે બેઠા કામ કરતી મહિલાઓ દ્વારા બનાવેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. જેમાં તોરણ, હોમ ડેકોરેશન, નવરાત્રીને લગતી વસ્તુઓ, કોસ્મેટિક્સ અને લેડીઝ વેરાયટી જેવી અનેક વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. આ પ્રદર્શન દ્વારા નાના કારીગરો અને ઘરઆંગણે કામ કરતી મહિલાઓને તેમનો માલ વેચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમરેલીની જનતાને સસ્તું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ખરીદવાનો અવસર પણ મળશે. આયોજકો દ્વારા અમરેલીના લોકોને મેળાની મુલાકાત લેવા અને ખરીદી કરીને સ્થાનિક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.