અમરેલી શહેરના સર્વાંગી વિકાસની દિશામાં કુલ રૂ. ૧૧૯૩ લાખના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, સાથે જ અનેક લોકકલ્યાણકારી યોજનાઓનો પણ શુભારંભ થયો હતો.
અમૃત સરોવર અને જળક્રાંતિ અભિયાનને અનુરૂપ, કૈલાશ મુક્તિધામ પાસેના રોકડિયા સરોવરને પુનર્જીવિત કરીને એક મીની રીવરફ્રન્ટ યોજનાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુક્તિધામ ખાતે ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી અને છાયા શેડનું નિર્માણ કાર્ય, તેમજ કેરીયા રોડ નજીક ભોજલપરા પ્રાથમિક શાળા પાસેના એપ્રોચ રોડના વિકાસ કાર્યોનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે પાણીની પાઈપલાઈન નેટવર્ક, સીસી રોડ, પંપ હાઉસનું નવીનીકરણ, અંડરગ્રાઉન્ડ સમ્પ અને યુરીનલ બ્લોક જેવી આવશ્યક સેવાઓના કામોનો પણ આ વિકાસ પેકેજમાં સમાવેશ થાય છે. હમીરજી ગોહિલ સર્કલથી સરદાર સર્કલ સુધી સીસી રોડ અને બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. સરદાર સર્કલ સેન્ટર પોઇન્ટને કેન્દ્ર બિંદુ બનાવી, લાઠી રોડ બાયપાસ ચોકડી, રાધેશ્યામ બાયપાસ ચોકડી તેમજ ચિતલ રોડ બાયપાસ ચોકડી સહિત તમામ મુખ્ય રોડ આરસીસીથી મઢવામાં આવશે.
ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, “લાઠી રોડ ઉપર વાયડનિંગ અને બ્યુટિફિકેશનના કામથી ન માત્ર ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે, પરંતુ સમગ્ર શહેરનું સૌંદર્ય અને આકર્ષણ પણ વધી જશે.”
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, પી.પી. સોજીત્રા સહિત શહેર ભાજપના અગ્રણીઓ, નગરપાલિકાના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ ખાતમુહૂર્ત અમરેલીને આવતીકાલનું સ્માર્ટ શહેર બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે.