ભારતીય મજદૂર સંઘ અમરેલી જિલ્લાની નિયોજન બેઠક લાઠી રોડ સ્થિત એસ.ટી. મજદૂર સંઘ કાર્યાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં વિભાગ સહ સંગઠન મંત્રી પ્રહલાદસિંહ ગોહિલ, પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી ભરતભાઈ બથવાર, એસ.ટી. મજદૂર સંઘના રાજેન્દ્રસિંહ વાળા, આંગણવાડી કર્મચારી સંઘના દેવલબેન ત્રિવેદી, ભારતીય ટપાલ મજદૂર સંઘના પરેશકુમાર મહેતા, પીએમ પોષણ યોજનામાંથી મનસુખભાઈ દાફડા તેમજ જિલ્લાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તા. ૧૦ નવેમ્બરે યોજાયેલી રિવરફ્રન્ટ રેલીનો રિવ્યુ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા પદાધિકારીઓના પ્રવાસનું આયોજન, યુવા અભ્યાસ વર્ગ માટે નવા કાર્યકર્તાઓનું ફોલોઅપ, જિલ્લા સંલગ્ન યુનિયનોના વાર્ષિક હિસાબો, રિટર્ન તથા અફિલિએશન ફી સમયસર ભરવા અંગેનું આયોજન અને ફેબ્રુઆરી માસમાં યોજાનારા સંલગ્ન યુનિયનોના વાર્ષિક અધિવેશન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા યુવા અને મહિલા કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી વધારવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. ચર્ચાના અંતે નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી પ્રદેશ અધિવેશન પહેલાં એટલે કે ઓગસ્ટ–સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભારતીય મજદૂર સંઘ અમરેલી જિલ્લાનું અધિવેશન યોજવામાં આવશે.

































