અમરેલી શહેરમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. લાંબા સમયથી શારીરિક બીમારીથી પીડાતા એક વ્યક્તિએ ઘરનું ગુજરાન ચલાવવાની ચિંતામાં મનમાં નબળા વિચારો આવતા એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા આ વ્યક્તિનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું હતું. પંકજભાઈ ભીખાભાઈ પાટડીયા (ઉં.વ.૩૫) એ જાહેર કર્યા મુજબ, મૃતક અતુલભાઇ ભીખાભાઈ પાટડીયા (ઉં.વ.૩૭) ને છેલ્લા ઘણા સમયથી હાથ-પગમાં અસહ્ય દુઃખાવો રહેતો હતો. મનમાં સતત ચાલતી આ મથામણ અને નબળા વિચારોને વશ થઈને, તેમણે પોતાના નિવાસસ્થાને એસિડ પી લીધું હતું. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઝેરી અસર વધુ હોવાથી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









































