અમરેલીમાં પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતે બે શખ્સોએ ઉશ્કેરાઈ જઈ એક વ્યક્તિને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી હતી. આ અંગે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે એઝાદભાઈ મહમદભાઈ કાલવા (ઉં.વ. ૩૮)એ ભયલુભાઈ તથા લાલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમને હોસ્પિટલના કામ અર્થે અમરેલીથી રાજકોટ જવાનું હતું. આ માટે તેઓ આરોપીની માલિકીની અર્ટિગા ગાડીમાં બેઠા હતા. જોકે, ઘણા સમય સુધી ગાડી ઉપાડી ન હોવાથી, તેઓ તેમાંથી ઉતરીને બાજુમાં ઉભેલી બીજી ઈકો ગાડીમાં બેસી ગયા હતા. પોતાની ગાડીમાંથી ઉતરી બીજી ગાડીમાં બેસવાની બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઝાપટ મારી દીધી હતી. બંને આરોપીઓએ ફરિયાદીને ડરાવતા કહ્યું હતું કે, તને જાનથી મારી નાખીશ.” આમ, બંને શખ્સોએ એકબીજાને મદદગારી કરી, મારપીટ કરી અને ધમકી આપી હોવાનો ગુનો નોંધાયો હતો.