અમરેલીના કેરિયા રોડ સ્થિત આર. કે. હોલ ખાતે અમરેલીના યુવા કવિ અગન રાજ્યગુરુના ત્રીજા ગઝલ સંગ્રહ ‘આયના સામે’નું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા કવિ ભરતભાઈ વિંઝુડા ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિજય મહેતા, વિષ્ણુ દવે અને બાલાબાપુએ કવિ અગન રાજ્યગુરુની ગઝલોનું સંગીતમય ગાન કરીને સંગીતમય સ્વર શુકન કરાવ્યા હતા. પુસ્તકનું વિમોચન ડા. સ્નેહી પરમાર અને પ્રણવ પંડ્‌યાની આગેવાનીમાં થયું હતું, જેમાં કવિ હરજીવન દાફડા, ડા. કેતન કાનપરિયા, હાર્દિક વ્યાસ અને સુરભી જાની જોડાયા હતા. જ્યારે ડા. કેતન કાનપરિયાએ ‘આયના સામે’ સંગ્રહની ગઝલોના ભાવ, છંદોની સફાઈ, લય અને ગઝલના સૌંદર્ય વિશે સુંદર વક્તવ્ય આપીને સૌ ભાવકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભગવતીબેન ગીરીશકુમાર જાની અને જયાબેન મનસુખભાઈ દવે દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાહિત્ય અને શિક્ષણ જગતના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડા. ધ્રુવ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.