ડિજિટલ યુગમાં સાયબર ઠગો હવે નિવૃત્ત લોકોને નિશાન બનાવી રહ્યા છે. અમરેલીમાં એક નિવૃત્ત શિક્ષકને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી, ઠગ ટોળકીએ વિશ્વાસમાં લીધા અને તેમની જાણ બહાર બેંક ખાતામાંથી રૂ.૧૫ લાખની રકમ સાફ કરી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીમાં રહેતા નિવૃત્ત શિક્ષક રાજેશપ્રસાદ ઇન્દ્રવદન પંડીત (ઉ.વ.૬૧)એ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો મુજબ, ઠગ ટોળકીએ સુનિયોજિત કાવતરું રચીને ફરિયાદી નિવૃત્ત શિક્ષકનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ પોતાની ઓળખ SBI બેંકના કર્મચારી તરીકે આપી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તેમણે વોટ્સએપ પર બેંકના નામે અલગ-અલગ ફાઈલો અને એપ્લિકેશન મોકલી હતી. આરોપીઓએ ફરિયાદીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી મોબાઈલનો તમામ ‘એક્સેસ’ મેળવી લીધો હતો. ત્યારબાદ, તેમને વાતોમાં વ્યસ્ત રાખીને તેમની જાણ બહાર મોબાઈલ પર કંટ્રોલ મેળવી લીધો હતો. ૦૬/૦૧/૨૦૨૬ ના રોજ, જ્યારે શિક્ષક આરોપીઓ સાથે વાતચીતમાં વ્યસ્ત હતા, ત્યારે જ આરોપીઓએ બે અલગ-અલગ બેંક ખાતામાં કુલ ત્રણ ટ્રાન્જેક્શન કર્યા હતા. પળવારમાં જ શિક્ષકના ખાતામાંથી કુલ રૂ.૧૫,૦૦,૦૦૦/- ઉપડી ગયા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ નિવૃત્ત શિક્ષકે પોલીસનો સંપર્ક કર્યો હતો હતો. પોલીસ ફરિયાદમાં મુખ્યત્વે ત્રણ મોબાઈલ નંબર ધારકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.








































