અમરેલી શહેરના ચિતલ રોડ પર આવેલા ૬૬ KV સબ સ્ટેશન પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી એક અજાણી ફોરવ્હીલ ગાડીના ચાલકે બાઈક સવાર આધેડને જોરદાર ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો. આ અંગે ભારતીબેન રાહુલભાઈ જોષી (ઉં.વ.૩૫)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પતિ જ્યારે અમરેલીથી ચિતલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચિતલ રોડ પર ૬૬ દ્ભફ સબ સ્ટેશનની આગળ આ અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પોતાની ગાડી બેફિકરાઈ અને ગંભીર બેદરકારીથી ચલાવી મોટરસાયકલ સાથે ભટકાવી દીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમના પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે અજાણ્યો ચાલક પોતાની ગાડી લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી ડી અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































