અમરેલીમાં ઘરની બહાર શેરીમાં કપડાં સુકવવાની દોરી બાંધવા મુદ્દે બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. રવિભાઇ ભરતભાઇ મકવાણા (ઉ.વ.૨૯)એ માતાજીના ભુવા ભરવાડ મુકેશભાઈ ઉર્ફે મુકાભાઈ, માંગાભાઈ સુરાભાઈ ભરવાડ સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ શેરીમાં કપડાં સુકવવા માટેની દોરી બાંધી હતી. જે અંગે મનદુઃખ ચાલતું હતું. જે અંગે તેમને ગાળો આપી હતી. આરોપીઓએ મંડળી રચી તેમનો સમાન ઈરાદો પાર પાડવા કુહાડી વડે તેના પિતા તથા સાહેદને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મહેશભાઈ ઉર્ફે માંગાભાઈ સુરાભાઈ ગોહિલ (ભરવાડ,ઉ.વ.૪૫)એ જગદીશભાઈ છગનભાઈ મકવાણા, ભરતભાઈ છગનભાઈ મકવાણાના પુત્ર અને પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની શેરીમાં રહેતા ભરતભાઇ છગનભાઇ મકવાણા (કોળી)એ બજારમાં કપડા સુકવવા માટે દોરી બાંધી હતી. જે દોરી બૈરાઓને શેરીમાં જવા આવવામાં નડતી હોવાથી છોડાવી નાખી હતી. આ બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તેમને, ‘મારા ભાઇના ઘરે દોરી બાંધેલ હતી તે કેમ છોડાવી નાખેલ છે’ તેમ કહી બોલાચાલી કરી હતી. લાકડાનો ધોકો મારી ગાળો આપી હતી અને ઈજા પહોંચાડી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.








































