આજથી પાંચ વર્ષ પહેલા અમરેલીના ખાટકી વાડમાં, અવેશભાઈ ઉર્ફે કાળુ દાઉદભાઈ તરકવાડીયા પોતાના મકાને ગૌવંશની કતલ કરતા ઝડપાયો હતો. હેડ કોન્સ્ટેબલ હરેશસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.ડી. મકવાણા સહિત અમરેલી સીટી પોલીસ સ્ટાફે રેઈડ પાડી હતી. આ રેઈડમાં ૧૦૦ કિલો ગૌમાંસ અને કતલ કરવાના સાધનો સાથે આરોપી અવેશ મળી આવ્યો હતો. આ કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલતા, સ્પેશીયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતાની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે, સેશન્સ જજ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આરોપી અવેશને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ ૭ વર્ષની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટના આ ચુકાદાથી જીવદયાપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.