અમરેલી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જિલ્લા કારોબારી મીટીંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અમરેલી, સાવરકુંડલા, બાબરા, દામનગર, લાઠી, ધારી અને લીલીયા સહિતના વિવિધ તાલુકાઓના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગ દરમિયાન ઠાકોર સેનાના કાર્યકરોએ સમાજના યુવાનોની બેરોજગારી, ખેતી અને પશુ પાલન સાથે જોડાયેલી મુશ્કેલીઓ તેમજ મહિલા સશક્તિકરણ અને સામાજિક સુરક્ષા જેવા પાયાના પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના ઉકેલ માટે આગેવાનો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મીટીંગમાં મુખ્યત્વે ઠાકોર સમાજને આર્થિક અને શૈક્ષણિક રીતે સધ્ધર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આર્થિક સશક્તિકરણ માટે યુવાનોને પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ, મુદ્રા લોન અને ખેતી સહાય જેવી સરકારી યોજનાઓનો લાભ લેવા જાગૃત કરવામાં આવશે. જ્યારે શૈક્ષણિક પ્રગતિ માટે જિલ્લામાં ટ્યુશન ક્લાસ, સ્કોલરશિપ કેમ્પ અને કેરિયર ગાઇડન્સ સેન્ટરની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે આગેવાનોએ ચાર સ્તરીય પ્લેટફોર્મની રૂપરેખા આપી હતી, જેમાં સરકારી વિભાગોમાં લેખિત રજૂઆત, સોશિયલ મીડિયા અને પ્રેસ દ્વારા અવાજ ઉઠાવવો, જરૂર પડે કાનૂની સહાય લેવી અને ઠાકોર સેનાની જિલ્લા-તાલુકા કમિટી દ્વારા આંતરિક નિરાકરણ લાવવાનો સમાવેશ થાય છે. બેઠકમાં સર્વાનુમતે નક્કી કરાયું હતું કે આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં “ઠાકોર સમાજ વિકાસ અભિયાન” ચલાવવામાં આવશે. ઠાકોર સેનાના આગેવાનોએ અંતમાં જણાવ્યું હતું કે સંગઠન સમાજના દરેક વ્યક્તિના વિકાસ માટે સમર્પિત છે અને સરકારના સહયોગથી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા કટિબધ્ધ છે.










































