અમરેલીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિલક્ષી તાલીમ, નિદર્શનો, કિસાન ગોષ્ઠી, ફાર્મ પરીક્ષણની અનેકવિધ પ્રવૃતિઓ જિલ્લામાં કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા શુક્રવારે ૨૧મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતીની બેઠક જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. આ તકે કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાં ડો. મીનાક્ષી કે. બારીયાએ ગત ૨૦મી બેઠકના મુદ્દાઓનું અમલીકરણ, વર્ષ ૨૦૨૫નો પ્રગતિ અહેવાલ અને વર્ષ ૨૦૨૬ના કાર્યક્રમોના આયોજનની રૂપરેખા રજુ કરી હતી. ત્યારબાદ વિષય નિષ્ણાંત ડો. નેહા તિવારી અને ડો. શ્વેતા એ. પટેલ દ્વારા વિષયને અનુરૂપ પ્રગતિ અહેવાલ તથા આગામી આયોજન રજૂ થયા હતા. આ બેઠકમાં અન્ય અધિકારીઓની સાથે ૧૦ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા. ડો. વી.પી. ચોવટીયા દ્વારા જળ જમીન સરક્ષણ કરવા અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ ઓછો કરવા તથા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તથા નવી જાતોના નિદર્શનો વધારવા અંગે સૂચનો આપ્યા હતા.