રોડનો થોડો ભાગ ફરી બનાવવાને બદલે સમગ્ર રોડ ફરીવાર બનાવવા શહેરીજનોની માંગ, જવાબદાર અધિકારોઓ સામે પગલા લેવાશે ?
અમરેલી શહેરમાં વિદ્યાસભાના ગેટથી કોલેજ સર્કલ સુધી તાજેતરમાં બનાવાયેલ રોડ માત્ર ત્રણ મહિનામાં જ નબળા કામના કારણે ફરી ખોદીને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રસ્તો પોલિટી કંટ્રોલ દ્વારા લેવાયેલા સેમ્પલમાં ફેલ થતાં સત્તાધીશો પર પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે, કારણ કે આ રોડના નિર્માણ દરમિયાન જ ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરવો પડ્‌યો હતો. હવે ફરીથી રસ્તો બનશે ત્યારે પણ લોકોને સમાન હાલાકી સહન કરવી પડશે. નાગરિકોનો આક્ષેપ છે કે કામમાં ગુણવત્તાનો અભાવ અને દેખરેખમાં બેદરકારીને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.
શહેરજનોની માંગ છે કે નબળું કામ કરનાર એજન્સી સામે કડક કાયદેસર પગલાં લેવાં જોઈએ અને આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. ઉપરાંત, ફરીવાર કામના કારણે જનતાને થનારી હેરાનગતિ માટે વળતર આપવાની પણ માંગ ઉઠી છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે રોડના માત્ર થોડા ભાગનું સેમ્પલ લઈને સુધારો કરવો પૂરતો નથી. જો એક જ કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર કામ થયું હોય, તો આખા રસ્તાની ગુણવત્તાની તપાસ જરૂરી છે. જો ક્યાંય પણ નબળું કામ સામે આવે, તો આખો રોડ ફરીથી બનાવવો જોઈએ. આ સાથે જ, નિર્માણ દરમિયાન ચકાસણી કરનાર સરકારી અધિકારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઈએ. જો તેમની બેદરકારી સામે આવે, તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવી જરૂરી છે. આ સમગ્ર ઘટનાએ સરકારી નાણાંના યોગ્ય ઉપયોગ અને કામગીરીની પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.