અમરેલી જિલ્લા યુવા આહીર સમાજના નેજા નીચે અમરેલીના સહજ સિટી ગ્રાઉન્ડ ખાતે તારીખ ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરીના રોજ આહીર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત દ્વારા શિસ્ત, સંગઠન અને શક્તિનો વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં જિલ્લાભરમાંથી કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં અમરેલીની શ્યામ ઈલેવન અને રાજુલાની આરાધ્યા ઈલેવન વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં રાજુલાની આરાધ્યા ઈલેવન વિજેતા બની હતી.  વિજેતા અને રનર્સ અપ બંને ટીમોને ટ્રોફી અને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ બિરદાવવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ બેટ્‌સમેન જીલુ લાખણોત્રા, બેસ્ટ બોલર રણજીત ડેર, બેસ્ટ ફિલ્ડર રાજુ વાઘ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ મૂળુ લાખણોત્રાને મળ્યો હતો. આ તકે અમરેલી જિલ્લા યુવા આહીર સમાજના પ્રમુખ કમલેશ ગરણિયાએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટનો હેતુ યુવાનોમાં ખેલદિલી અને આત્મવિશ્વાસ વધારવાનો તેમજ તેમને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો છે. આયોજનને સફળ બનાવવા માટે રણજીત ડેર, દિગ્વિજય સોરઠીયા, અનવીર આહીર અને જે.ડી. આહીર સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સમાજના આગેવાનો અને વડીલોએ આર્થિક સહયોગ અને હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્‌યું હતું.