ભારત-ચીન યુદ્ધમાં દેશ માટે શહીદ થયેલા ૧૨૦ આહિર જવાનોની વીરતા અને બલિદાનને યાદ કરવા માટે અખિલ ભારતીય યાદવ મહાસભા દ્વારા આયોજિત ‘રેજાંગલા રજ કળશ યાત્રા’નું અમરેલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા અમરેલી જિલ્લામાં આદેશ આશ્રમ, હીરાણાથી શરૂ થઈને ચાવંડ અને લાઠી થઈને અમરેલી શહેરમાં પ્રવેશી હતી. આહિર સમાજના લોકોએ પરંપરાગત વસ્ત્રોમાં કંકુ ચોખાથી કળશને આવકાર્યો હતો. આહિર સમાજ દ્વારા આ કળશનું ભવ્ય સન્માન કરીને વિશાળ શોભાયાત્રામાં ૫૧ અશ્વ, ૫૫૧ કાર અને ૧૦૦૧ બાઈક સાથે મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો જોડાયા હતા. ખુલ્લી જીપમાં રાખવામાં આવેલા ‘રેજાંગલા રજ કળશ’ને શહેરમાં ફેરવવામાં આવ્યો હતો, જ્યાં વિવિધ સમાજના લોકોએ શહીદોની પવિત્ર માટીને પુષ્પહાર અર્પણ કરીને વંદન કર્યા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ફોરવર્ડ સર્કલ પાસે સિનિયર સિટીઝન પાર્ક ખાતે એક વિશાળ સભામાં પરિવર્તિત થઈ હતી. જેમાં આહિર રેજિમેન્ટની માંગ સાથે અમરેલી જિલ્લાના ૨૯ આહિર જવાનો સેનામાં ફરજ બજાવે છે તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. રેજાંગલા યુદ્ધમાં શહીદ થયેલા ૧૧૪ વીર જવાનોની યાદમાં ૧૧૪ આંબાના વૃક્ષોનું વિતરણ કરીને તેનું જતન કરવાનો સંકલ્પ લેવાયો હતો. માયાભાઈ આહિર, સાંસદ ભરતભાઈ સુતરીયાએ પણ આ માંગને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો જીતુભાઈ ડેર, વનરાજભાઈ કોઠીવાળ, કમલેશભાઈ ગરણિયા સહિત અનેક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.