રાજ્યમાં ઘણીવાર નકલી સરકારી કર્મચારીઓ તેમજ બોગસ સરકારી ઓફિસો હોવાનું સામે આવ્યું છે ત્યારે અમરેલીમાં પણ ફક્ત કાગળ પર ચાલતી એક હોમિયોપેથીક હોસ્પિટલ કોઈ દર્દી, ડોક્ટર કે નર્સ વગર ધમધમી રહી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અમરેલીમાં આવેલી વી.એન. હોમિયોપેથીક કોલેજમાં લાખો રૂપિયાની ફી ભરી માતા-પિતા પોતાના સંતાનો ડોક્ટર બની બહાર નીકળે તેવા સપના જોતા હોય છે પરંતુ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ કરાવવાને બદલે ફક્ત મસમોટી ફી વસૂલ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. મીડિયા દ્વારા અમરેલીમાં એક હોસ્પિટલની રિયાલિટી ચેક કરવામાં આવી હતી ત્યારે પત્રકારોએ જે દ્રશ્ય જોયું તેનાથી પત્રકારો ચોંકી ગયા હતા કારણ કે આ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર કે નર્સ ન હોવાથી ફક્ત આ હોસ્પિટલ કાગળ પર ચાલતી હોય અને લાખો રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. વી.એન. હોમિયોપેથીક હોસ્પિટલમાં કોઈ ડોક્ટર કે નર્સ તો હાજર નથી પરંતુ આ હોસ્પિટલમાં કોઈ દર્દી પણ હાજર ન હોવાથી દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હોવાનું દેખાડવા માટે ઓપીડીનું બોગસ રજીસ્ટર પણ ઊભું કરાયું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં શિક્ષણ આપવા માટે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલ કરવામાં આવે છે પરંતુ ડોક્ટર જ ન હોવાથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કઈ રીતે કરતા હશે તેવો પણ સવાલ ઉઠવા પામ્યો છે.

હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ પણ નથી

અમરેલીની વી.એન. હોમિયોપેથીક હોસ્પિટલમાં ડોક્ટર કે નર્સ તો નથી જ પરંતુ દર્દીઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ નથી. આમ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી વસૂલ કરી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પ્રેક્ટિસ કરાવવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું છે.

કેટલી હોસ્પિટલ કાગળ પર ચાલે છે તેની આરોગ્ય વિભાગ તપાસ કરે

અમરેલીમાં આવેલી વી.એન. હોમિયોપેથીક હોસ્પિટલની આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી નથી એટલે આરોગ્ય વિભાગ  જિલ્લામાં આવી કેટલી હોસ્પિટલ માત્ર કાગળ પર જ ચાલી રહી છે તેની યોગ્ય તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે.

હોમિયોપેથીક હોસ્પિટલની તપાસ કરાશે ઃ જિલ્લા આરોગ્ય અધિકારી

અમરેલીમાં હોમિયોપેથીક હોસ્પિટલ ડોક્ટર કે નર્સ વગર માત્ર કાગળ પર જ ચાલુ હોવાથી આ બાબતે અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વી.એન. હોમિયોપેથીક કોલેજની ફરિયાદ હજુ સુધી આવી નથી પરંતુ જો ત્યાં કોઈ બોગસ ડોક્ટર હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ હોસ્પિટલમાં ડોક્ટર કે નર્સ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.