ડોકટર લાજવાને બદલે ગાજવા લાગ્યા, ભુલ સ્વીકારવાને બદલે દર્દીને ધમકાવ્યા

અમરેલીના ચિતલ રોડ પર આવેલી આંખની હોસ્પિટલના ડોકટરની બેદરકારી સામે આવી છે. જેમાં એક દર્દીને જમણી આંખને બદલે ડાબી આંખનું ઓપરેશન કરી નાખ્યું હતું. આ અંગે દર્દી સુરેશભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, મારી જમણી આંખમાં સમસ્યા હોવાથી ચિતલ રોડ પર આવેલી દૃષ્ટિ હોસ્પિટલના ડોકટર અભિષેક ઠાકર પાસે ઓપરેશન કરાવવા માટે ગયા હતા. જયાં ફરજ પરના ડોકટર અભિષેક ઠાકરે જમણી આંખમાં ટીપા નાખ્યા હતા. જ્યારે ઓપરેશન કરાવવા માટે ગયા ત્યારે સુરેશનભાઈ માંગરોળીયાની ડાબી આંખનું ઓપરેશન કરી નાખ્યું હતું. આ અંગે દર્દીએ ડાબી આંખનું ઓપરેશન કેમ કર્યું તે અંગે પુછતા તેમણે દર્દીને ધમકાવ્યા હતા અને પૈસા માટે આવુ કરતા હોવાનું જણાવ્યું હતું. જા કે દર્દીએ વારંવાર રજૂઆત કરતા ડોકટર એકના બે થયા નહોતા અને ડાબી આંખમાં વધુ સમસ્યા હોવાનું જણાવતા હતા. જ્યારે ઓપરેશન પહેલા જમણી આંખમાં ટીપા નાખવામાં આવ્યા હતા. આ બાબતે દર્દી સુરેશભાઈ માંગરોળીયાએ અમરેલી સિટી પોલીસમાં ડોકટરની બેદરકારી અંગે ફરિયાદ પણ નોંધાવી છે. આમ, ડોકટરે બેદરકારી દાખવી દર્દીની બીજી આંખનું ઓપરેશન કરી નાખવામાં આવતા આ બાબતે ડોકટર પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

દર્દીના કહેવા પ્રમાણે જ ઓપરેશન કરવામાં આવ્યું છે: ડો.અભિષેક ઠાકર
આ અંગે દ્રષ્ટી હોસ્પિટલ ડો.અભિષેક ઠાકરે સંજાગ ન્યૂઝને જણાવ્યું હતું કે દર્દીએ હોસ્પિટલ સામે કરેલા આક્ષેપો તદ્દન વાહીયાત છે. દર્દી જ્યારે દાખલ થયો ત્યારે તેને ડાબી આંખમાં જ ઓપરેશન કરવાનું હતું. ઈન્ડોર કેસના કાગળીયામાં ૫ણ ડાબી આખમાં ઓપરેશન કરવાનું દર્દીએ લખાવ્યું હતું. દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ દર્દીને ડાબી આંખમાં જ ઈન્જેશન મારવામાં આવ્યું હતું. દર્દીનું સફળતાપૂર્વક ડાબી આંખનું ઓપરેશન થઈ ગયા બાદ દર્દીને ડિર્સ્ચાજ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે સવારે દર્દી ડ્રેસીંગ માટે આવેલા ત્યારે તેમણે કહેલું કે મારે જમણી આંખનું ઓપરેશન કરાવવાનું હતું. જાકે દર્દીના તમામ રીપોર્ટમાં ડાબી આંખનું ઓપરેશન કરવાનું લખેલું હોય તે પ્રમાણે જ ઓપરેશન કરવામાં આવેલું છે. દર્દી દ્વારા હોસ્પિટલને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સીટી પોલીસ દ્વારા દર્દીની અરજી આવેલી હોવાનું અને આ તપાસ આઈએમએની તપાસ હોવાનું જણાવ્યું હતું. આઈએમએ દ્વારા પણ રીપોર્ટ પ્રમાણે ડાબી આંખનું જ ઓપરેશન કરવાનું હોવાનું જણાવ્યું હતું.