અમરેલી શહેરમાં અશાંત ધારો લાગુ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી મકાનની લે-વેચ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે અમરેલીના બટારવાડી વિસ્તારમાં આવેલ પટેલ ડીઝલ વાળી શેરીના રહીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સહિતના અગ્રણીઓને પત્ર લખીને વાંધા અરજી કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, બટારવાડીમાં અશાંત ધારાનો કાયદો અમલમાં હોવા છતાં આજુબાજુના રહીશોની મંજૂરી કે સહીઓ લીધા વિના મિલકત વેચવાની પ્રક્રિયા થઈ રહી છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જે વાંધા અરજી અંગેની નોટિસ લગાવવામાં આવે છે, તે પણ વેચનાર પાર્ટી દ્વારા અન્ય લોકો વાંચે તે પહેલા જ નાશ કરી દેવામાં આવે છે, જેથી અન્ય વ્યક્તિને ખબર ન પડે. રહીશોએ પત્રમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અશાંત ધારા વિસ્તારમાં આ રીતે છૂપી રીતે જમીન-મકાન વેચવા સામે તેમને સખત વાંધો છે. પટેલ ડીઝલ વાળી શેરીમાં હિન્દુ સિવાયની અન્ય કોઈ જ્ઞાતિના લોકોને મકાન વેચવામાં આવે તો પણ તેમને વિરોધ છે. જો આવા દસ્તાવેજો કરવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે તેમ જણાવી રહીશોએ લેખિતમાં વાંધા અરજ રજૂ કરી છે.