નગરપાલિકાએ મોટા ઉપાડે રોડ ખોદી નાખ્યા બાદ ઘણા સમયથી કામ ચાલુ કરવામાં આવ્યુ નથી
અમરેલી નગરપાલિકા દ્વારા વિકાસના મોટા બૂંણગા ફેંકી રહી છે. જા કે હનુમાનપરામાં વિકાસની પરિભાષા જ નગરપાલિકાએ બદલી નાખી છે. નગરપાલિકાએ આ વિસ્તારના લોકોને સુવિધા આપવાને બદલે દુવિધા ઉભી કરી હોવાથી હનુમાનપરા વિસ્તારના લોકોમાં પાલિકા સામે રોષ ફેલાયો છે. અમરેલીના હનુમાનપરામાં લોકોને સુવિધા આપવા માટે મોટા ઉપાડે રસ્તો ખોદી નાખ્યો હતો. છેવાડાના વિસ્તારમાં રસ્તાનું કામ શરૂ થનાર હોવાથી વિસ્તારવાસીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. જા કે નગરપાલિકાએ વિકાસના કામ માટે વિસ્તારવાસીઓને કોણીએ ગોળ લગાડ્યો હોય તેવો ઘાટ સર્જ્યો છે. પાલિકાએ રસ્તો ખોદી નાખી મસમોટા પથ્થર નાખ્યા બાદ કોઈ કામગીરી કરવામાં ન આવતા રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જાગૃત રહેવાસીઓએ રસ્તાનું કામ શરૂ કરવા માટે નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હલતુ નથી. આથી આવતીકાલે અમરેલી આવતા મુખ્યમંત્રીને વિસ્તારવાસીઓએ રૂબરૂ રજૂઆત કરી પાલિકાના શાસનની પોલ ખોલશે તેવી ચિમકી ઉચ્ચારી છે.










































