અમરેલી સ્થિત શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે ધોરણ ૪ થી ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વારા રામનવમીના પાવન પ્રસંગની ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા એકત્રિત થઈને રામલલ્લાની ભાવપૂર્વક આરતી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન પ્રત્યેક વ્યક્તિ માટે આદર્શ માનવામાં આવે છે. શ્રીજી વિદ્યાર્થી ભુવન દ્વારા શિક્ષણ અને સંસ્કાર સિંચન માટે હંમેશા વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે, જેના ભાગરૂપે મહાન વિભૂતિઓના જન્મદિનની ઉજવણી કરી તેમના જીવનના પ્રેરક પ્રસંગોથી બાળકોને માહિતગાર કરવામાં આવે છે. સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસીયા તથા વિલાસબેન વઘાસીયાએ આ સુંદર અને ભાવભક્તિથી ભરપૂર કાર્યક્રમના આયોજન બદલ તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ભગવાન રામના ઉમદા ગુણોને પોતાના જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ, દેશમાં ફરીથી રામરાજ્ય સ્થાપિત થાય તે માટે તમામ નાગરિકો રાષ્ટ્રપ્રેમ સાથે કાર્ય કરે તેવી ભાવના પણ આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી.










































