એસ.ટી વિભાગ દ્વારા સાવરકુંડલા /બગસરા /ધારી /ઉના /રાજુલા /કોડીનારના કેન્દ્રને અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતેના અમરેલી માર્કેટિંગ યાર્ડ પાસે લોકલ બસનું સ્ટોપ આપવા જણાવવામાં આવ્યું છે. આ અંગે પાઠવેલા પત્રમાં સૂચનામાં આવી છે કે, આપના કેન્દ્રના જે તમામ લોકલ રૂટનું સંચાલન સાવરકુંડલાથી અમરેલી રોડ પર આવેલ યાર્ડ પાસેથી થતું હોય તે તમામ લોકલ રૂટને યાર્ડ-સાવરકુંડલા રોડ પાસે સ્ટોપ ઉમેરી સ્ટોપ આપી સંચાલન કરવું. મુસાફરોને ચડાવવા/ ઉતારવાની જરૂરી સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત કોઇ ફરિયાદ ઉપસ્થિત ન થાય તેની તકેદારી રાખવા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્થળે એસ.ટી બસનું સ્ટોપ આપવા અનેક લોકોએ માગણી કરી હતી. માર્કેટીંગ યાર્ડમાં દૂર બહારગામથી ખેડૂતો ખેત જણસ વેચવા આવતા હોય અને જણસ વેચ્યા બાદ ખેડૂત પાસે રોકડ રકમ હોય તેવા સંજોગોમાં એસ.ટી. સ્ટોપ ન હોવાથી ખેડૂતોને અન્ય ખાનગી વાહનોમાં સાવરકુંડલા, બગસરા, ધારી, અમરેલી જવાની ફરજ પડે છે. અન્ય વાહન ન મળતા રોકડ જોખમ સાથે ઉભું રહેવું પડે છે. આથી ખેડૂતો, મજૂરો તેમજ અન્ય મુસાફરો હેરાન ન થાય તે માટે અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા યાર્ડ પાસે સાવરકુંડલા—અમરેલી તરફ તમામ આવન-જાવક લોકલ બસોનો સ્ટોપ આપવા રજૂઆત કરી હતી.








































