અમરેલી જિલ્લાના માંગવાપાળ ગામના એક ખેડૂત સાથે ઓનલાઈન છેતરપિંડી અને કાર્ડની ચોરીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અજાણ્યા શખ્સોએ ખેડૂતના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી તેમના બેંક ખાતામાંથી કુલ રુ.૧,૦૦,૦૫૪ ની રકમ સેરવી લીધી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. સુરેશભાઇ મનજીભાઇ પાનેલીયા (ઉ.વ.૫૦) એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ ૦૩/૦૨/૨૦૨૬ થી તા. ૨૫/૦૩/૨૦૨૬ ના સમયગાળા દરમિયાન અમરેલીથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે નજર ચૂકવીને તેમની પાસેથી એટીએમ કાર્ડની ચોરી કરી લીધી હતી. ભેજાબાજ શખ્સે કોઈપણ રીતે કાર્ડનો પિન મેળવી લીધો હતો. આશરે દોઢ મહિનાના ગાળામાં અલગ-અલગ સમયે ટ્રાન્જેક્શન કરીને કુલ રુ.૧,૦૦,૦૫૪.૨૮ ની રકમ ઉપાડી લેવામાં આવી હતી. ખેડૂતને જ્યારે આટલી મોટી રકમ ઉપડી ગઈ હોવાની જાણ થઈ, ત્યારે તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને બેંક ટ્રાન્જેક્શનની વિગતોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ડી.એસ. ઇશરાણી વધુ તપાસ કરી રહ્યા છે.