ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજારૂપે ગોકુળથી શરૂ થયેલો અન્નકૂટોત્સવ આજે ૫૦૦૦ વર્ષ પછીય ભારતીય ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ કરાવે છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ અન્નકૂટની આ ભકિત પરંપરાનો મહિમા સમગ્ર વિશ્વમાં વિસ્તાર્યો છે. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા યોજાયેલ અન્નકૂટ ઉત્સવ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસથી લઈને ઈગ્લેન્ડની સંસદ- ‘હાઉસ ઓફ કોમન્સ’ સુધી પહોંચાડવાનું ઐતિહાસિક પૃષ્ઠ ૫.પૂ.પ્રમુખસ્વામી મહારાજના હસ્તે ઉમેરાયું છે. આજ પરંપરામાં અમરેલીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦૦૦ કરતા વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ઉત્સવ ૨૨ ઓકટોબરે, બુધવારના રોજ સવારે ૮ઃ૦૦ થી સાંજના ૫ઃ૦૦ સુધી યોજાશે. અન્નકૂટ ઉત્સવના દિવસે સવારે ૮ઃ૦૦ થી સાંજે ૫ઃ૦૦ સુધી દર બે કલાકે અન્નકૂટ આરતી યોજાશે, જેનો તમામ ભક્તજનો લાભ લઈ શકશે. દીપોત્સવ પર્વે ર૦ ઓકટોબરે સાંજે ૫ઃ૦૦ થી ૭ઃ૦૦ દરમ્યાન અમરેલી શહેરના વેપારીઓ ઠાકોરજી સમક્ષ ચોપડાપૂજન વિધિમાં જોડાશે. જેમાં અમરેલી શહેરના તમામ વેપારીઓને ચોપડાપૂજન વિધિમાં જોડાવા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ મહાઅન્નકૂટ ઉત્સવમાં જુદા જુદા સેવાના ૩૦ વિભાગોમાં ૫૫૧થી વધુ આબાલ-વૃધ્ધ સ્વયંસેવકો પોતાની સેવા આપશે. અન્નકૂટ ઉત્સવને અનુલક્ષીને સમગ્ર મંદિર પરિસરને સુશોભિત કરાશે. અમરેલી શહેરની ૧૫ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદો સુધી અન્નકૂટનો પ્રસાદ પહોંચાડાશે.









































