અમરેલી જિલ્લાના પાણીયા ગામે ગેસ અને માથાના દુઃખાવાની તકલીફમાં ભૂલથી ‘ઇનો’ સમજીને ઉંદર મારવાની ઝેરી દવા પી જવાથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, પાણીયા ગામે રહેતા સોનલબેન જગદીશભાઈ ડાભીને અચાનક ગેસ અને માથામાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. દુઃખાવામાં રાહત મેળવવા માટે તેઓ ઘરે રાખેલ ‘ઇનો’ પીવા ગયા હતા. પરંતુ, કમનસીબે ઇનોના પેકેટની બાજુમાં જ ઉંદર મારવાની ઝેરી દવા પડી હોવાથી, ઉતાવળ કે અંધારામાં ભૂલથી તેમણે આ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં જ તેમની હાલત લથડી હતી, જે બાદ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.







































