અમરેલીના લાઠી રોડ પર આવેલા ધરમનગર વિસ્તારમાં છેલ્લા ૧૦ થી ૧૨ દિવસથી ગટર ખોદીને ખુલ્લી મૂકાતા સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો કામ અધૂરું રાખીને જતા રહેતા હોવાથી રસ્તા પર માટીના ઢગલા થઈ ગયા છે. પરિણામે લોકોને પોતાના વાહનો ઘરમાં લઈ જવા કે ઘરના દરવાજા સરળતાથી ખોલવા મુશ્કેલી પડી રહી છે. ખુલ્લી ગટરમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધને કારણે સ્વાસ્થ્ય અંગેની ચિંતાઓ પણ વધવા લાગી છે.સ્થાનિકોએ નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર તેમજ ધારાસભ્ય અને સંસદ સભ્યને અનેક રજૂઆતો કરી છે. તેમ છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી. રજૂઆતોના જવાબમાં કેટલાક અધિકારીઓએ ઉદ્ધત વલણ અપનાવ્યાના આક્ષેપો થયા છે. તેમના નિવેદનોને કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જો તાત્કાલિક કામગીરી નહીં થાય તો સ્થાનિકો આંદોલનનો માર્ગ અપનાવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.











































