અમરેલી શહેરની મધ્યમાં આવેલા જુના માર્કેટિંગ યાર્ડમાં ગટરના ખોદકામ સમયે ગેસની પાઇપલાઇન તૂટી જતા વિકરાળ આગ ફાટી નીકળી હતી જેને કારણે વેપારીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની માહિતી મળતા જ અમરેલી ફાયર ફાઈટરનો સ્ટાફ મામલતદાર તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર દ્વારા ૧૦૦ લિટર જેટલો પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કોઈ ગંભીર ઘટના ન બને તે માટે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ તો આગને કારણે કેટલું નુકસાન ગયું છે તે તપાસ બાદ જ ખબર પડશે.









































