અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામે રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ગામના જશવંતગઢથી રાંઢીયા રોડ પર આવેલી એક બાયોકોલ ફેક્ટરી પાસે દોઢથી બે વર્ષના એક પરપ્રાંતીય બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક પોતાના ઘરના આંગણામાં રમી રહ્યું હતું, તે દરમિયાન એક શ્વાન અચાનક ત્યાં આવી પહોંચ્યો અને બાળક પર હુમલો કરીને તેને મોઢામાં ઉપાડીને ભાગવા લાગ્યો હતો. બાળકનો રડવાનો અવાજ સાંભળીને તેના પિતા તરત જ બહાર દોડી આવ્યા હતા. બાળકના પિતાને પોતાની પાછળ આવતા જોઈને શ્વાન બાળકને મૂકીને ભાગી ગયો હતો. સદનસીબે, બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ પહેલા પણ જશવંતગઢ ગામમાં રખડતા શ્વાનના હુમલાના ત્રણ-ચાર બનાવો બની ચૂક્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા શ્વાનના આતંકને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.