અમરેલીમાં યોગ સાધકોએ ૩૦ દિવસીય કેમ્પમાં યોગના કારણે મેદસ્વિતા, જટીલ દુઃખાવામાં રાહત મેળવી છે. શુક્રવારે સમાપન થયેલા ૩૦ દિવસયી ‘મેદસ્વિતા નિવારણ કેમ્પ’માં અમરેલીવાસીઓએ ૧.૫ કિલોથી ૦૭ કિલો સુધી વજન ઘટાડવાની સફળતા મેળવી છે. યોગ સાધકોએ પોતે આ અંગે પ્રતિભાવો આપી યોગને નિત્ય જીવનનો ભાગ બનાવવા માટે અપીલ કરી છે. આ અંગે માહિતી આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટર સાગરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ૩૦ દિવસીય ‘મેદસ્વિતા નિવારણ કેમ્પ’નું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં અમરેલી શહેરના ગાંધીબાગ ખાતે પ્રતિદિન ૧.૩૦ કલાકના યોગ સેશનમાં ૧૦૦ વ્યક્તિઓએ યોગ અભ્યાસ કર્યો હતો. કેમ્પના અંતે સૌ સહભાગીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.










































