ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪ માં થયેલ પાક નુકસાનીના વળતરની જાહેરાતમાં અમરેલી જિલ્લાના ખેડૂતોને અન્યાય થયો હોવાનો મુદ્દો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે ઉઠાવ્યો છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, સરકારે માત્ર કપાસના પાકને થયેલા નુકસાન સામે વળતર આપવાની જાહેરાત કરી છે, જે અમરેલી જિલ્લાના ખેડૂતો માટે અન્યાયી છે. ગત વર્ષ ઓક્ટોબર-૨૦૨૪ માં અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડ્‌યો હતો. તેની સહાય માટે અમરેલી જિલ્લાને વંચિત રખાતા કોંગ્રેસ પાર્ટી દ્વારા અગાઉ ધરણાં અને પત્રો પાઠવવામાં આવ્યા હતા. હાલમાં ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલ સહાય પેકેજ સામે પ્રતાપભાઈ દુધાતે સવાલ ઉભા કર્યા છે. તેમણે દલીલ કરી છે કે, અમરેલી જિલ્લામાં કપાસ ઉપરાંત શીંગનું પણ મોટા પાયે વાવેતર થયું હતું, અને ભારે વરસાદને કારણે શીંગના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.