અમરેલીના જેશીંગપરામાં આવેલ કામનાથ સરોવરમાં ગાંડી વેલે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. હાલમાં પણ સરોવર પર ગાંડી વેલ છવાયેલી છે અને તેના ઉપર કચરાના ઢગલા જાવા મળી રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય અને રોગચાળો ફાટી નીકળે તેવો ભય રહેલો છે. વર્તમાનમાં જ શહેરમાં ઘરે-ઘરે ડેન્ગ્યૂ અને ચીકનગુનીયાના ખાટલા છે. આમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. નગરપાલિકા ગંદકીની સફાઇ અંગેની કામગીરીમાં ઉદાસીનતા દાખવે છે. જેના કારણે લોકોએ રોગચાળાનો શિકાર થવું પડે છે.
કામનાથ એ એક ફરવાલાયક સ્થળ છે. જ્યાં આ વિસ્તારના તેમજ અન્ય વિસ્તારના લોકો પીકનીક મનાવવા આવતા હોય છે. કામનાથ પુલ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે ત્યારે ગંદકીના ગંજ અને ગાંડી વેલ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.