અમરેલીની શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ તથા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ૧ અને ૨ના બાલમંદિરથી ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આ પર્વમાં ૪૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો. આ તકે મુખ્ય અતિથિ નિત્યસુધાનંદજી સરસ્વતી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિંદગીમાં ગુરુ વગર કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ નથી બની શકતો, મનુષ્યને શીખવનાર તે ગુરુ છે, શીખે છે તે શિષ્ય છે. ગુરૂ અને શિષ્યના સંબંધને ગાઢ બનાવવા અને ગુરૂ પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા. આપણા દેશમાં ગુરુ શિષ્યની મહાન પરંપરાના અનેક દૃષ્ટાંતો છે. ગુરૂપૂર્ણિમા નિમિતે સંસ્થામાં વિદ્યાર્થીઓ દ્વારા તમામ ગુરૂજનોને કુમ-કુમ ચાંદલો કરી વંદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સંગીત અને ગુરૂ શિષ્ય થીમ પર નાટક દ્વારા ગુરુ વિષે મહત્વનો સંદેશ આપ્યો હતો.