અમદાવાદના વાડજ વિસ્તારમાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવી ડરાવી-ધમકાવી નાણાં પડાવતી એક રીઢા ગુનેગારોની ટોળકીને વાડજ પોલીસે ઝડપી પાડી છે. અકસ્માત સર્જ્યો હોવાનું કહી વૃદ્ધ પાસેથી ૧.૭૦ લાખ રૂપિયા પડાવનાર ૩ શખસોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
મળતી માહિતી અનુસાર, વાડજ વિસ્તારમાં એક સિનિયર સિટીઝન પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની કાર રોકી હતી. આરોપીઓએ વૃદ્ધ સાથે વિવાદ કરતા જણાવ્યું હતું કે, “તમારાથી અકસ્માત થયો છે.” ત્યારબાદ વૃદ્ધને પોલીસ કેસ કરવાની અને જેલમાં મોકલી દેવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આરોપીઓ આટલેથી જ ન અટકતા, વૃદ્ધને બળજબરીથી બેન્કમાં લઈ ગયા હતા. ત્યાં ડરાવી-ધમકાવી તેમની પાસેથી ૧ લાખ રૂપિયા રોકડા કઢાવ્યા હતા અને વધારાના ૭૦ હજાર રૂપિયાનો ચેક પણ લખાવી લીધો હતો.
આ મામલે ભોગ બનનાર વૃદ્ધે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. વાડજ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગોમતીપુરમાં રહેતા ૨૫ વર્ષીય જય રાવળ, સારંગપુરમાં રહેતા મહેશ ઉર્ફે હનુમાન ઠાકોર અને સારંગપુરમાં રહેતા આકાશ ઠાકોરને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી વૃદ્ધ પાસેથી પડાવેલા ૧.૭૦ લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી છે. હાલમાં આ ત્રણેય રીઢા ગુનેગારો જેલના સળિયા પાછળ છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ શહેરના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારે સિનિયર સિટીઝનોને શિકાર બનાવ્યા છે.










































