ગુજરાતમાં ગઈકાલે નકલી ચલણી નોટોનું મસમોટું કૌભાંડ સુરત પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું હતું. જેમાં અમદાવાદ અને સુરત બંને શહેરોમાંથી પોલીસે યોગગુરુ પ્રદીપ જાટગિયા સહિત ૭ આરોપીઓની ધરપકડ કરી હતી. આજે શુક્રવારે આ તમામ આરોપીઓને મેટ્રો કોર્ટે સમક્ષ રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી પોલીસે તપાસને વધુ વિસ્તૃત બનાવી કોલ ડિટેઇલના આધારે નેટવર્ક સુધી પહોંચવાની કામગીરી શરૂ કરી છે.

વિગતે વાત કરીએ તો, ગઈકાલે ૧૯મી માર્ચે ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ બાતમીને આધારે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી એક કારની તપાસ કરતા બે કરોડની નકલી બનાવટી ચલણી નોટો પકડાઈ હતી, જે મામલે પોલીસે એક મહિલા સહિત કુલ ૭ લોકોની ધરપકડ કરી. આ નકલી નોટોના કેસમાં ગુજરાતના નામચીન શ્રી સત્યમ યોગ ધામના સંચાલક પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આ આખો મામલો હાઈ-પ્રોફાઈલ કેસ બનતા હાલ સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન પોલીસે યોગગુરુ પ્રદીપ જાટગિયા સહિત ૭ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.નોંધનીય છે કે, આ કેસમાં શ્રી સત્યમ યોગ ધામના સંચાલક પ્રદીપ ગુરુજી(પ્રદીપ દિલીપભાઈ જાટગિયા) સહિત મુકેશ લાખાભાઈ ડુમ્મર, અશોક ધનજીભાઈ માવાણી, રમેશ વલ્લભભાઈ બલર, દિવ્યેશ ઈશ્વરભાઈ રાણા, ભરત વાલજીભાઈ કાકડિયા અને એક આરતી નામની મહિલા (તમામ સુરત નિવાસી)ની એમ કુલ ૭ની ધરપકડ કરાઈ છે. જેમાં મુખ્ય આરોપી તરીકે પોલીસે મુકેશ લાખાભાઈ ડુમ્મરને દર્શાવ્યો છે.

પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, કલર પ્રિન્ટર, પેપર કટર, કલર કાર્ટિજ સહિત નકલી નોટો છાપવા માટે વપરાતા સાધનો જપ્ત કર્યા છે. સાથે જ લાખોની કિંમતની ડુપ્લીકેટ ચલણી નોટો પણ કબજે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકીએ છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે ૨.૫થી ૩ કરોડની કિંમતની ૫૦૦ના દરની નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી હોઈ શકે છે.

આ અંગે સરકારી વકીલ વાય.કે. વ્યાસે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી મુકેશ ડુમ્મરના નિવાસસ્થાનેથી રૂ. ૫૦૦ના દરની ૧૫,૬૦૦ નકલી નોટો મળી આવી છે. ઉપરાંત, અન્ય આરોપીઓના ઘર તથા ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ જેવી જગ્યાઓએ વધુ નોટો છુપાવી રાખી હોવાની શક્યતા જોવા મળી રહી છે, જેને શોધવા માટે વધુ તપાસ જરૂરી છે અને આ માટે આરોપીઓના રિમાન્ડ મળવા જરૂરી છે, જે દલીલને ધ્યાને લઈ કોર્ટે તમામ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.તમામ આરોપીઓ રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ હવે આરોપીઓએ નોટો છાપવા માટે વપરાયેલા સાધનો ક્યાંથી ખરીદ્યા, તેની ચૂકવણી કેવી રીતે કરવામાં આવી અને નકલી નોટોના વેચાણથી મળેલા નાણાં કયા બેંક ખાતાઓમાં જમા કરાયા તેની તપાસ કરી રહી છે. સાથે જ આરોપીઓએ જે અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો બનાવી હતી, તે મૂળ નોટો કબજે કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન આરોપીઓએ નકલી નોટો છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનમાંથી મંગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી આ કેસને પોલીસે ગંભીરતાથી લઈ આંતરરાષ્ટ્રીય કડીઓ મેળવીને પણ તપાસ શરૂ કરી છે, ખાસ કરીને ચીનમાંથી કાગળ મંગાવવાની પ્રક્રિયા અને તેમાં અન્ય કોણ સંકળાયેલા છે તે મુદ્દે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.