ગુજરાત સરકારે સોમનાથ, અંબાજી અને દ્વારકાના સર્કિટ હાઉસને ફાઇવ સ્ટાર હોટલમાં રૂપાંતરિત કરવાની તૈયારી કરી છે. સરકારે સર્કિટ હાઉસના સંચાલનના ખાનગીકરણ માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. આ યાત્રાધામો ઉપરાંત, અમદાવાદ સહિત સાત મહાનગરોના સર્કિટ હાઉસની સેવાઓનું પણ પીપીપી મોડમાં ખાનગીકરણ કરવામાં આવશે. એટલે કે, હવે આ સર્કિટ હાઉસમાં ફક્ત નેતાઓ કે બાબુઓ માટે રહેવાની સુવિધા જ નહીં, પરંતુ સામાન્ય લોકો માટે પણ રહેવાની સુવિધા હશે. જાકે, સામાન્ય લોકો પ્રીમિયમ ચાર્જ ચૂકવીને રહી શકશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લીધો છે.
ત્રણેય યાત્રાધામોના સર્કિટ હાઉસ દસ વર્ષ માટે ખાનગી ઓપરેટરોને આપવામાં આવશે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢના સર્કિટ હાઉસ ત્રણ વર્ષ માટે પીપીપી ધોરણે ખાનગી ઓપરેટરોને આપવામાં આવશે. સર્કિટ હાઉસની માલિકી સરકાર પાસે રહેશે, પરંતુ તેનું સંચાલન, રેસ્ટોરન્ટ અને કેટરિંગ, આવક સહિતનો હિસાબ, રૂમ સર્વિસ, સિવિલ, ડેકોરેશન, સફાઈ અને વીજળીનું કામ ખાનગી કોન્ટ્રાક્ટરની જવાબદારી રહેશે. આ ગેસ્ટ હાઉસના સંચાલકોને ૫ સ્ટાર અથવા ૪ સ્ટાર હોટલનું સંચાલન કરવાનો અનુભવ હોવો જાઈએ. દિલ્હીના ગરવી ગુર્જરી ગેસ્ટ હાઉસનું મોડેલ અપનાવવામાં આવશે. કુલ રૂમના ૨૫ ટકા રૂમ સરકાર માટે અનામત રાખવા પડશે, જેમાંથી ૨ રૂમ કાયમી ધોરણે વીઆઇપી માટે અનામત રહેશે. જ્યારે સરકારને કોઈપણ ચૂંટણી અથવા જાહેર કાર્યક્રમ માટે આખા સર્કિટ હાઉસના રૂમની જરૂર પડે છે, ત્યારે સરકાર તેના નિયમો અનુસાર રૂમ બુકિંગ અને અન્ય આતિથ્ય ખર્ચ ખાનગી ઓપરેટરને ચૂકવશે. દર વર્ષે, ખાનગી ઓપરેટરોને સોમનાથના સર્કિટ હાઉસમાં ૨૦૨૫, દ્વારકામાં ૫૫૫ અને અંબાજીમાં ૧૦૪૫ રૂમ મળશે.
જા કોઈ સરકારી પ્રતિનિધિ રૂમ ઇચ્છતો હોય, તો તેણે રોકાણના બે દિવસ પહેલા જાણ કરીને સરકારી દરે અને જા તે એક દિવસ પહેલા બુક કરાવે તો મેનેજિંગ એજન્સીના દરે ચૂકવણી કરવી પડશે. આ બંને કિસ્સાઓમાં, રૂમ તેના માટે અનામત રાખવામાં આવશે. જા તે અગાઉથી બુક નહીં કરાવે, તો રૂમ અનામત રાખવામાં આવશે નહીં.
સરકાર આ સરકારી ગેસ્ટ હાઉસમાંથી આવક મેળવશે. ચોક્કસ રકમ હજુ નક્કી કરવામાં આવી નથી, પરંતુ હરાજીની જેમ, સૌથી વધુ બોલી લગાવનાર ખાનગી સંસ્થાને મેનેજમેન્ટની જવાબદારી સોંપવામાં આવશે. રૂમ ભાડા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ સરકાર ખાનગી મેનેજરો અને હિસ્સેદારો સાથે બેઠક કર્યા પછી તેના પર નિર્ણય લેશે. આમ, સર્કિટ હાઉસના સંચાલનના ખર્ચના બદલામાં સરકાર તેની આવક મેળવશે.