ગુજરાત હવે માત્ર વેપાર અને ઉદ્યોગનું જ કેન્દ્ર નથી રહ્યું, પરંતુ વિશ્વના રમતગમત નકશા પર પણ પોતાની અમીટ છાપ છોડવા તૈયાર છે. આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની ગુજરાતને મળતા રાજ્યની વૈશ્વિક પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવ્યો છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવાની મહારાહ નક્કી કરવામાં આવી છે.
સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ૧૨૭૮ કરોડની માતબર રકમની જાગવાઈ કરવામાં આવી છે. આ ભંડોળનો મુખ્ય હેતુ અમદાવાદને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ હબ બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાઓ માટે પણ શહેર સજ્જ રહે.
વિધાનસભામાં નાણાંમંત્રીએ રજુ કરેલા બજેટમાં જણાવ્યું છે કે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી’ બનાવવા માટેના આયોજનમાં નીચેની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમોનું નિર્માણ કરવામાં આવશે. રમતવીરો અને પ્રેક્ષકોની સુવિધા માટે આધુનિક મેટ્રો રેલ અને બસ ટ્રાન્સપોર્ટ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. રસ્તાઓનું નવીનીકરણ, લાઈટિંગ અને પ્રવાસન સ્થળોના વિકાસ સાથે શહેરનો કાયાકલ્પ થશે.
કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ તે ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે. બાંધકામ, હોસ્પિટાલિટી (હોટેલ), ટ્રાન્સપોર્ટ અને સેવા ક્ષેત્રમાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે. વૈશ્વિક સ્તરે પ્રચાર થવાથી વિદેશી રોકાણકારો માટે ગુજરાત આકર્ષણનું કેન્દ્ર બનશે. રમતગમત પ્રેમીઓ અને પ્રવાસીઓના આગમનથી રાજ્યના પર્યટન ઉદ્યોગને મોટો વેગ મળશે. આ પ્રોજેક્ટથી નિર્મિત થનારી સુવિધાઓ માત્ર રમતગમત પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે આવનારી પેઢીઓ માટે લાંબાગાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાબિત થશે.”
નોંધનીય છે કે, ૧૨૭૮ કરોડના આ પ્રોજેક્ટ સાથે અમદાવાદ હવે વૈશ્વિક સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ ના આયોજનથી ગુજરાતની ગરિમા વિશ્વસ્તરે વધશે અને રાજ્યના યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ પોતાના જ આંગણે મળશે.








































