ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરવાનો મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દેવાયત ખવડને આગામી ૩૦ દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
ફરિયાદી પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે જામીન પર મુક્ત થયા બાદ દેવાયત ખવડ જામીનની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કેસના સાક્ષીઓને ડરાવી-ધમકાવી રહ્યા છે. ફરિયાદીની આ અરજીને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન રદ કરવાનો કડક નિર્ણય લીધો છે.
કોર્ટે તેમને આ નિર્ણયના ૩૦ દિવસની મહત્તમ સમય મર્યાદામાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને કારણે દેવાયત ખવડની કાયદાકીય લડાઈ વધુ જટિલ બની છે અને તેમને હવે ફરી જેલમાં જવાનો વારો આવી શકે છે.
અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતનાઓએ નુકશાન કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે ૮ લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી.
આ બાદ બે દિવસ પહેલા દેવાયત ખવડ અને અન્ય શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું યોજી માર મારવામાં આવ્યો હતો. તેમજ તેને સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી થઈ રહી હોવાની માહિતી મળી હતી અને તેજ પ્રમાણે દેવાયત ખવડ અને અન્ય શખ્સો ધ્રુવરાજસિંહ બુકાની બાંધી કાર અથડાવી હુમલો કરવામાં આવ્યો. જાકે અચાનક દેવાયત ખવડની બુકાની ખુલી જતા યુવરાસિંહ ઓળખી ગયાનું પોલીસે જણાવ્યું.
પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય ૧૫ લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ છે. તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિત ૧૬ જેટલા ઈસમો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ની કલમ ૧૦૯, ૩૧૧, ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૬૧, ૩૫૨, ૩૫૧(૩) તથા આર્મસ એક્ટની કલમ ૨૫(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ સહિતની કલમો હેઠળ તાલાળા પોલીસ મથકે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.